ભારતમાં લોનનો ખર્ચ ઘણો ઊંચો, વ્યાજદર ઘટાડવાની જરૂરઃ સીતારામણ
ભારતમાં લોનનો ખર્ચ ઘણો ઊંચો, વ્યાજદર ઘટાડવાની જરૂરઃ સીતારામણ
Blog Article
ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને સોમવાર, 25 નવેમ્બરે એસબીઆઈ કોન્ક્લેવમાં જમાવ્યું હતું કે દેશમાં વ્યાજના દર ઘણા ઉંચા છે અને બેન્કોએ વ્યાજના દર પોસાય તેવા રાખવાની જરૂર છે. અત્યારે જે રેટ ચાલે છે તે લોકોને લોન લેવા માટે પોસાય તેવા નથી.
નીચા વ્યાજદરની હિમાયત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ઉદ્યોગો તેમનું રોકાણ વધારે તે જરૂરી છે, જેથી વિકસિત ભારતનું સપનું સાકાર કરી શકાય. ભારતની આર્થિક વૃદ્ધિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવે તો ઘણા લોકો કહે છે કે દેશમાં લોન લેવાનો ખર્ચ બહુ ઊંચો આવે છે. ભારતમાં ઉદ્યોગો રોકાણ વધારે અને પોતાની ક્ષમતામાં વધારો કરે તેવી જરૂરિયાત છે ત્યારે બેન્કના વ્યાજદર વધારે એફોર્ડેબલ હોય તે જરૂરી છે.
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવને અંકુશમાં લેવા માટે વ્યાજદર ઊંચા રાખવાની જરૂર ન હોવાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે ભાવ વધારો રોકવા માટે સરકાર ફૂડ સપ્લાય પર કન્ટ્રોલના પગલાં લઈ રહી છે. બટાટા, ટામેટા અને ડુંગળીના કારણે પ્રેશર પેદા થાય છે કારણ કે તેના ભાવ ઝડપથી વધે છે. આવી ઝડપથી બગડી જાય તેવી ચીજવસ્તુઓને ખાદ્યાન્ન ફુગાવાનો ભાગ બનાવવી જોઈએ કે નહીં તેની ચર્ચામાં હું પડવા માંગતી નથી. તેમાં સપ્લાય ચેઈનનો જ સવાલ છે કે માંગ અને પૂરવઠાની સમસ્યા છે તે પણ વિચારવું પડશે.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે ખાદ્ય પદાર્થોના ભાવના આધારે વ્યાજના દર નક્કી કરવામાં આવે તે યોગ્ય નથી. હાલમાં ફુગાવો 6.2 ટકાનો આંકડો વટાવી ગયો છે ત્યારે મોટા ભાગના નિષ્ણાતો માને છે કે ડિસેમ્બરમાં વ્યાજ કાપ આવે તેવી શક્યતા ઓછી છે.